શું છે પંચકર્મ ચિકિત્સા ?
આયુર્વેદનું નવું લોકપ્રિય રૂપ સ્પાના સ્વરૂપમાં ઊપસ્યું છે. પૂર્વના દેશોમાં સ્પા ઉદ્યોગની જેમ વિકસી રહ્યું છે. ફરી ચેતનવંતા થવાની આ એક વિધિ છે. પંચકર્મને માત્ર તેલની ધાર સુધી સીમિત કરી દેવું એ આયુર્વેદ નથી.
આજના વ્યાપારી યુગમાં દરેક જૂની અને એન્ટિક ચીજની જેમ આયુર્વેદ પણ ચપોચપ વેચાઇ રહ્યો છે. ત્યાં સુધી કે પશ્વિમી જીવનશૈલીના માર્ગે આગળ વધી ગયેલી પંચતારક હોટલો અને હેલ્થ રિસોર્ટ્સમાં પણ પંચકર્મ ચિકિત્સાના નામે આયુર્વેદનો પ્રવેશ થઇ ગયો છે અને દરેક નવી ફેશનની જેમ જ લોકો એને પણ ચિકિત્સાને બદલે આનંદનું એક નવું માઘ્યમ માનીને અપનાવવા લાગ્યા છે.
છેવટે પંચકર્મ ચિકિત્સા શું છે એ જાણવામાં કે એ પરંપરાગત ઔષધીય ચિકિત્સાથી અલગ શું કામ છે અને શરીર પર એનો શો પ્રભાવ પડે છે એ સમજવામાં એમને નથી રુચિ કે નથી ઉત્સુકતા.
આધુનિક વ્યવસાયી ચિકિત્સા કેન્દ્રોમાં પંચકર્મ ચિકિત્સાના નામે જે કંઇ પીરસવામાં આવે છે એ હકીકતમાં શારીરિક દોષોના શમન માટે શાસ્ત્રોક્ત પંચકર્મ પહેલા અપનાવાતી વિધિ કે પ્રિપરેટરી ઓપરેશન્સ માત્ર છે.
આયુર્વેદ શાસ્ત્રો મુજબ પંચકર્મ ચિકિત્સામાં પાંચ પ્રધાન કર્મ છે:
વમનં રેચનં નસ્યં નિરૂહશ્ચાનુવાસનમ્એતાનિ પંચકર્માણિ કાથિતાનિ મુનીશ્વરૈ:|
અર્થાત્ આમાશય અને ઉર્ધ્વગત વિકારો કે દોષોને બહાર કાઢવા માટે વમન કે ઊલટી કરાવવાં, અદ્યોગત મળના નિસ્સરણ માટે વિરેચન, ઔષધિઓથી બનાવાયેલા કવાથ કે દ્રવ પદાર્થોનો મળદ્વારથી પ્રવેશ કરાવી મળાશય અને આંતરડાંમાં જામેલા મળને બહાર કાઢવા માટે નિરૂહ વસ્તિ અને ઘી, તેલ કે દીવેલ વગેરેના માઘ્યમથી આ ક્રિયા માટે અનુવાસન વસ્તિ કે એનિમા આપવો તથા ગળાના ઉપરનાં અંગોમાં જામેલા દોષોના નિસ્સરણ માટે નસ્ય અર્થાત્ નાકના માર્ગે ઔષધ દ્રવ્યોનો પ્રવેશ કરાવી છીંક લાવવાની ક્રિયાને પંચકર્મ કહેવાય છે.
શરીરને આ ક્રિયાઓ માટે તૈયાર કરવા માટે એની પહેલા દીપન-પાચન સ્નેહન અને સ્વેદન ક્રિયાઓ કરવામાં આવે છે. કેરળની પંચકર્મ ચિકિત્સામાં શિરોવરિત્ત, કટિવસ્તિ, શિરોધારા, મિણ્ડસ્વેદ, પોટલીસ્વેદ વગેરે જે ક્રિયાઓ કરાય છે એ હકીકતમાં સ્નેહન સ્વેદનની ક્રિયાઓ જ છે. વાસ્તવિક પંચકર્મ એ પછીની ક્રિયાઓ હોય છે.
લકવો, કંપવા, માંસપેશીઓમાં તાણ, સાંધામાં પીડા, કમર દર્દ, જકડામણ, સંધિવા, આમવાત, વાતરકત, માનસિક તાણ, અનિદ્રા, માથાનો તીવ્ર દુખાવો, ઉન્માદ, અપસ્માર કે મીર્ગી વગેરે વાત વિકારોમાં પંચકર્મથી તરત જ આરામ મળે છે.
એ પહેલા સ્નેહન-સ્વેદન દ્વારા શરીરને વમન વિરેચન વગેરે વાસ્તવિક પંચકર્મોમાટે તૈયાર કરાય છે. આયુર્વેદ અનુસાર શરીરમાંનાં દોષો સ્રોતો અને વિભિન્ન નાડીઓને અવરોધી નાખે છે. એને પોતાના સ્થાનથી હલાવવા-હટાવવા માટે સ્નેહનો અંદર અને બહાર પ્રયોગ કરવામાં આવે છે.
સ્નેહન
સ્નેહન ક્રિયામાં શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરાયેલા ઘી અથવા તેલનો અંદર અને બહાર બન્ને રીતે ઉપયોગ થાય છે. ઘી શરીરમાંના પિત્તદોષોનું શમન કરે છે પરંતુ અગ્નિ પ્રદીપ્ત કરે છે, એટલે શરીરની અંદરના સ્નેહન માટે ધૃતપાન કરાવાય છે, પરંતુ જો વાતદોષોનું પ્રમાણ વધુ હોય તો તેલપાનનું પણ વિધાન છે.
બાહ્ય સ્નેહન માટે પાંચ પ્રકારની ક્રિયા કરવામાં આવે છે. અભ્યંગ અર્થાત્ માલિશ, તર્પણ અર્થાત્ ધારાથી અભિસિંચન, શિરોપિચુ શિરોવસ્તી અને લેપ. અભ્યંગમાં રોગ અનુસાર ઔષધિઓથી તૈયાર કરેલા તેલથી શરીરનાં અંગોની માલિશ કરવામાં આવે છે.
માલિશનો અર્થ ચત્તા-ઊંધા હાથે શરીરને ચોળવું એટલો જ નથી. હથેળી, આંગળીઓ, ટેરવાં કે અંગુઠાથી અલગ અલગ અંગને મસળવું, તેજ ગતિએ દબાવવું, મર્દન વગેરે ક્રિયાઓ અભ્યંગમાં સામેલ છે. અભ્યંગનો ઉદ્દેશ માત્ર શરીરનું મર્દન નથી, બલકે ઔષધીય તેલનું ધીરે ધીરે શરીરમાં શોષણ કરાવવાનો પણ હોય છે, જેથી શિથિલ અથવા પીડિત અંગની માંસપેશીઓ અને રકતવાહિનીઓ પુષ્ટ થઇને સારું કામ કરવા લાગે છે.
આ ક્રિયા એ વિષયના જાણકાર વ્યક્તિ પાસે જ કરાવવી જોઇએ. ભારતીય પરિવારોમાં તંદુરસ્ત વ્યક્તિને પણ રોજ કે ખાસ કરીને શિયાળામાં અભ્યંગ કરવાની પરંપરા રહી છે. ક્યારેક માથું દુખે અથવા બીજા કારણે બેચેની અનુભવાય ત્યારે ઘરની જ કોઇ વ્યક્તિ માથું સહેલાવીને કે તેલમાલિશથી પીડિતને રાહત પહોંચાડવાની કોશિશ કરે છે.
આજકાલ માનસિક તાણથી મુક્તિ અને અનિદ્રાથી તરત રાહત મેળવવા માટે ટ્રાન્ક્વિલાઇઝર્સ, એનાલ્જેસિક કે સિડેટિવ દ્રવ્યોના પ્રયોગ પણ ખૂબ થાય છે, પરંતુ સમય જતાં એની શરીર પર ભારે અવળી અસરો પડે છે.
તર્પણ અથવા ધારા અભિસિંચન
તર્પણ ક્રિયામાં કમર, પીઠ, કપાળ કે માથાના કોઇ ભાગ પર તેલની પાતળી ધાર પાડવામાં આવે છે. એમાં તેલ કે તેલ મિશ્રિત અન્ય કોઇ પ્રવાહી એ અંગનું તર્પણ કર્યા પછી નીચે ભેગું કરી લેવામાં આવે છે, જેને અન્ય કાર્યમાં ઉપયોગમાં લઇ શકાય છે.
આ ક્રિયામાં તેલ કોઇ ચોક્કસ અંગ પર જ પડે અને બધે ફેલાય નહીં એ માટે આજકાલ વિશેષ પ્રકારનાં સાધનો તૈયાર કરાયાં છે. ધારાબદ્ધ તેલનો ‘અભિષેક’ ૧૦થી ૧૫ મિનિટ સુધી કરવામાં આવે. ધીરે ધીરે આ સમયને જરૂરિયાત મુજબ વધારી શકાય છે. એ પછી માથા કે જે તે અંગ પર ધીરે ધીરે માલિશ કરવામાં આવે છે. એથી રોગીના મગજના કોષોને બળ મળે છે.
શિરોપિચુ
જો કોઇ કારણસર રોગીને સીધો સુવડાવીને તર્પણ કે ધારાબદ્ધ તેલથી અભિસિંચન કરવાનું સંભવ ન હોય તો શિરોપિચુ ક્રિયાનો પ્રયોગ થાય છે. આ ક્રિયામાં તેલથી તરબતર રૂનું પૂમડું કે કપડાનું ચીથરું રોગીના કપાળની વરચે બ્રહ્મરન્ધ્ર (કપાળનો મઘ્ય ભાગ) પર રાખી દેવાય છે.
એની ઉપર એરંડાનાં પાન કે પ્લાસ્ટિકનો ટુકડો રાખી પ્લાસ્ટિક શિટના ટુકડાથી પટ્ટી બાંધી દેવાય છે. રૂના પૂમડાનું તેલ મગજના નાડીતંત્રનું સતત સંતર્પણ કરતું રહે છે. અડધા કલાક પછી પટ્ટી ખોલી માલિશ કરીને તેલને સૂકવી નખાય છે.
શિરોબસ્તિ
શરીરમાં ગળાની ઉપરનાં અંગોમાં વિવિધ રોગો - અનિદ્રા, આધાશીશી, કંપન, ડોકું જકડાવું, નાક, કાન, ગળાનાં રોગોમાં શિરોવસ્તિ ક્રિયાનું વિધાન છે. રોગીને ખુરશી પર બેસાડીને કાન પાસેના વાળ ઊંચા કાપી લેવાય છે, જેથી તેલ નીચે તરફ ન સ્રવે. શિરોવસ્તિ માટે હેલ્મેટ જેવા એક ગોળ આવરણમાં એક લીટર જેટલું આછું હૂંફાળું ઔષધિયુક્ત તેલ ભરીને માથા પર પહેરાવી દેવાય છે.
એ પહેલા અડદ કે સોયાબીનના લોટથી હેલ્મેટના કિનારાને બરાબર બંધ કરી દેવાય છે, જેથી તેલ નીચે ન ઊતરે. આ ખાસ આવરણમાં ઉપરથી તેલ ભરવાની પણ વ્યવસ્થા હોય છે. લગભગ ૧૦થી ૧૫ મિનિટમાં આ આવરણમાંના તેલથી આખું માથું સંતૃપ્ત થતું રહે છે. આ ક્રિયાનું પુનરાવર્તન સાતથી ૧૦ દિવસ કરવામાં આવે છે.
શરીરના કોઇ ચોક્કસ અંગ કે માથા પર વિવિધ દ્રવ્યોનો તેલમિશ્રિત લેપ કરીને પણ સ્નેહન ક્રિયા કરવામાં આવે છે. વાત, પિત્ત કે કફ પ્રકૃતિ અનુસાર શીત, ઉષ્ણ કે વાતહર ઔષધિઓનો લેપ તૈયાર કરાય છે.
ઘણી વાર ઔષધિઓની સાથે ચોખા કે અડદના લોટને શેકીને પણ લેપ તૈયાર કરાય છે. આ લેપ અડધાથી એક સેન્ટીમીટરની પહોળાઇમાં સંબંધિત અંગ પર લગાડીને હવામાં સુકાવા દેવાય છે. કેરળમાં આ ક્રિયાને ‘મોતીચિલ્લ’ કહેવામાં આવે છે.
સ્વેદન
સ્નેહનની જેમ સ્રોતોમાં જમા થયેલા દોષોને બહાર કાઢવા માટે તથા માંસપેશીઓ અને નાડીતંત્રની તાણને ઓછી કરવા માટે સ્વેદન કે વરાળ-સ્નાન કરાવાય છે. સ્વેદન પણ બે પ્રકારે કરાવાય છે - બાષ્પસ્નાન તથા પિંડ કે પોટલી સ્વેદન.
પહેલા ઘાસના સાદા ખાટલા પર પથારી વગર રોગીને સુવડાવી નીચે કાઢો ઉકાળીને બાફ આપવામાં આવે છે. આમાં પૂરી વરાળનો ઉપયોગ નહોતો થઇ શકતો તથા વાતાવરણની ઠંડી હવા લાગવાથી બાફનો પૂરો લાભ પણ નહોતો મળી શકતો. આજકાલ તો વરાળ-સ્નાન માટે આધુનિક સાધન ઉપલબ્ધ છે.
એમાં વિશેષ પ્રકારના ટબમાં રોગીને બેસાડી કે સુવાડી દેવામાં આવે છે અને ગરદનની ઉપરના ભાગને બહાર રાખવામાં આવે છે. પછી યંત્રચાલિત વરાળથી શરીરનાં બધાં અંગોનું સ્વેદન થાય છે. આજકાલ તો પ્રેશર કૂકરની મદદથી ઘરે પણ સંબંધિત અંગને બાફ આપી શકાય છે.
રોગીને ખુરશી પર બેસાડવામાં કે ખાટલા પર સુવાડવામાં આવે છે અને પ્રેશર કૂકરમાં ઔષધિઓનો કાઢો તૈયાર કરીને કૂકરની વરાળ નીકળવાના મોં પર રબરની નળી લગાડીને સીધું જ જે તે અંગનું સ્વેદન કરી શકાય છે. જોકે, આ બધી ક્રિયા કોઇ વિશેષજ્ઞની દેખરેખ હેઠળ જ કરવી જોઇએ.
પીંડ સ્વેદન
કમર દર્દ, સાંધાનું દર્દ તથા બાળકોના પોલિયોગ્રસ્ત અંગમાં સ્થાનિય સ્વેદન માટે આ ક્રિયાનો પ્રયોગ કરવામાં આવે છે. વાતહર ઔષધિઓના કાઢામાં દૂધ સાથે ચોખા ચડવીને ગાઢી ખીર તૈયાર કરવામાં આવે છે. એને કોઇ સૂતરાઉ કપડામાં બાંધીને પોટલી બનાવાય છે. સ્વેદ ક્રિયા સતત ચાલતી રહે એ માટે આવી બે-ત્રણ પોટલી બનાવી લેવી જોઇએ, જેથી એક ઠંડી પડતાં બીજીનો ઉપયોગ ચાલુ કરી શકાય.
જે અંગ પર સ્વેદ કરવાનો હોય એની પર પહેલા થોડું તેલ ચોપડીને પોટલીથી આછો શેક કરવામાં આવે છે. પોટલીમાંથી ભાતનું ઓસામણ સ્રવીને અંગ પર જમા થતું રહે છે. આ ઔષધિ મિશ્રિ ઓસામણથી રોગગ્રસ્ત અંગનું એકસાથે સ્નેહન અને સ્વેદન થઇ જાય છે.
આ બધી ક્રિયાઓ વમન વિરેચન વગેરે પંચકર્મો પહેલા જ કરી લેવી જોઇએ પરંતુ આજકાલ આને જ પંચકર્મ ચિકિત્સા માનીને જવાબદારી પર પૂર્ણવિરામ મૂકી દેવાય છે.
0 Comments