ચોમાસાનું પથ્ય શાક કંકોડાં - કંટોલાં

ચોમાસાનો પ્રથમ વરસાદ થતાં જ વાડી - વગડામાં કંકોડી - કંટોલીનો વેલો ઊગી નીકળે છે . અને વાડ કે ઝાડ ઉપર ચડીને ફળ રૂપે નાનાં નાનાં સુંવાળાં કાંટાવાળાં કંટોલાં કે કંકોડાં આપે છે . 


સૌરાષ્ટ્રમાં પ્રાયઃ તેને કંટોલાં કહે છે , ગુજરાતમાં કંકોડાં . આ બંને શબ્દ ‘ કર્કોટકી ' , કે ‘ કર્કોટક ' શબ્દ ઉપરથી આવેલ છે સંસ્કૃતમાં કંકોડાંને રોમશ ફળ ( ફરતી રૂંવાટીવાળું ફળ ) પણ કહે છે . કંકોડી આખાય ભારત દેશમાં થાય છે . તેના વેલાના બે પ્રકારમાંથી જે વેલાને ફળ નથી બેસતાં તેને ‘ વાંઝણી કંકોડી ' કહે છે . જેનો ઉપયોગ દવામાં ખાસ થાય છે . અને તેના કેટલાક ચમત્કારિક પ્રયોગો પણ છે . અહીં આપણે કંકોડાં - કંટોલાં ફળના શાક રૂપે ઉપયોગ ચર્ચવાના હોવાથી તેના વેલાની વાત વળી ક્યારેક કરીશું . 


કંકોડાં રસમાં કડવાં અને મધુર હોવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે , તે કડવાં હોવાથી કેટલાક ગ્રંથકારોએ તેના ગુણ કારેલાંના ગુણ જેવા છે તેમ કહ્યું છે . કંકોડાં ઠંડાં , લૂખાં , પચવામાં હળવાં હોવાથી કિશ્ચિત્ વાયુકારક હોવાથી ચોમાસામાં તેના શાકમાં તલતેલ , હિંગ , લસણ , મેથી , વગેરે વધુ નાખવાં . વાયુના રોગો અને વાયુપ્રકૃતિવાળાએ તેનું સેવન ન કરવું . અથવા ઓછું કરવું


કંકોડાં કડવાં , મધુર અને શીતગુણવાળાં હોવાથી પિત્તશામક છે . કડવાં , લૂખાં , લધુ , કટ્ટવિપાકી ( પચવામાં તીખાં ) હોવાથી તે કફશામક પણ છે . તેથી ઠંડી - ગરમ અને બંને ઋતુમાં ખાઈ શકાય છે . બાળકો અને યુવાનોને માફક આવે છે . 


કફપિત્તના કોઈ પણ રોગમાં તેનું સેવન થઈ શકે છે . કેટલાક ગ્રંથકારોએ કુમળાં કંકોડાંને ત્રિદોષશામક કહેલાં હોવાથી કોઈ પણ ઋતુ , કોઈ પણ રોગ અને કોઈ પણ ઉંમરનાં સર્વત્ર તેનું સેવન કરી શકાતું હોવાથી તેને પથ્ય શાક તરીકે હંમેશાં ખાઈ રોકાય . કંકોડાં રુચિકર , જઠરાગ્નિવર્ધક , મળભેદન ( પેટ સાફ લાવનાર ) , મૂત્રલ , બલ્ય અને લઘુ હોવાથી કોઈ પણ દરદીને તે છૂટથી આપી શકાય તેવાં છે . 


આયુર્વેદનાં નિઘંટુમાં કંકોડાંનો ઘણા રોગોમાં ઉપયોગ કરવાનું કહેલ છે . તાવ ઊતરી ગયા બાદ દરદી કંકોડાંનું શાક ખાય તો તાવને મટાડે છે . 


પથરીના દરદી પણ કંકોડાંનો હંમેશાં ઉપયોગ કરે તે હિતાવહ છે , વાયુકારક હોવા છતાં તેને ગુલ્મ રોગમાં પણ પથ્ય માનેલ છે , ખાસ કરીને રક્તગુલ્મમાં પણ લઈ શકાય , ગુલ્મના એટલે ગોળાના દરદીએ લસણ , હિંગ , તલતેલ , મેથી નાખીને જ ગરમ ગરમ શાક ખાવું . 


વાયુજન્ય કોઈ પણ શૂળ - દુખાવામાં તેમ જ પેટના રોગના બધા પ્રકારમાં કંકોડાનું શાક લાભદાયી છે . રીંગણની જેમ કંકોડાંને પણ ઉધરસમાં હિતાવહ માન્યાં છે . 


શ્વાસના દરદી પણ તે રીતે છૂટથી ખાઈ શકે , કંકોડાં કફનાશક , કડવાં અને લધુ હોવાથી ડાયાબિટીસના દરદી કારેલાંની જેમ તેનો ખોરાકમાં વધુ ઉપયોગ કરે કે તેનો રસ કાઢીને રોજ સવારે હળદર મેળવીને પીવાનું રાખે તો ફાયદો જ થાય છે . 


સફેદ દાગ તેમ જ બધા જ ચર્મરોગોમાં એટલે ખંજવાળ , ખસ , દાદર , કરોળિયા , કાળા ડાઘ , સોરાયસીસ , ખરજવું વગેરેના દરદી મીઠું , ખટાશ , ગળપણ નાખ્યા વિનાનું ધાણા , જીરું , હળદર , રાઈ , મેથી , મરચું , મરી કે લસણ નાખેલ શાક ખાવાનું રાખે તો સ્વાદિષ્ટ હોવાથી ભાવે છે અને ફાવે છે . 


હૃદયરોગના દરદી પણ કંકોડાં ખાઈ શકે . કારેલાં કૃમિને થતાં અટકાવે છે અને એને મટાડે છે . તેથી બાળકોએ કંકોડાંનું શાક ખાસ ખાવું જોઈએ . 


ક્ષયના દરદી માટે કફન , લઘુ , ભૂખ લગાડનાર , પથ્ય એવાં કંકોડાં હિતાવહ છે . સુશ્રુતસંહિતમાં નેત્ર રોગના દરદીએ કંકોડાં ખાવાં હિતાવહ માન્યાં છે . 


હરસના દરદી પણ સૂરણનું શાક ઉપરાંત કંકોડાંનું શાક ખાય તો ફાયદો થાય છે . કોઈ પણ કારણ સર શરીરમાં સોજા આવ્યા હોય તેમાં પણ કંકોડાંનું શાક પથ્ય છે . 


ચામડીના કોઈ પણ રોગમાં મીઠું , ખટાશ કે ગળપણ નાખ્યા વિનાનું શાક ખાઈ શકે . મોંમાંથી વધુ લાળ પડતી હોય તો તેવા દરદી પણ કંકોડાં ખાય તો ફાયદો થશે . સ્થાવર કે જંગમ વિષની અસરવાળા દરદી પણ કંકોડાં ખાય તો સારું 


સ્વ. વૈદ્ય શોભન

Post a Comment

0 Comments