અંગદાન એટલે શું ? કયાં અંગોનું દાન કરી શકાય ? અંગદાન કોણ કરી શકે ?

 અંગદાન એટલે શું ?

તંદુરસ્ત માનવ શરીરનાં કેટલાક અંગો તે વ્યક્તિ અને/અથવા તેનાં કુટુંબીજનોની સંમતિ મેળવ્યા પછી યોગ્ય ડોકટરો દ્વારા સલામત રીતે કાઢી લઈને જે દર્દીઓનાં આવાં અંગો ખરાબ થયાં હોય તેમને આ અંગો બેસાડવામાં આવે છે એટલે કે ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) કરવામાં આવે છે અને તે દર્દીઓને ફરી તંદુરસ્ત બનાવવામાં આવે છે.

જો જીવંત વ્યક્તિ અંગદાન કરતી હોય, તો તેની પોતાની તંદુરસ્તીને અસર ના થાય, તેવાં અને તેટલાં જ અંગો લેવામાં આવે છે, જેવાં કે રક્ત, એક કીડની, યકૃતનો એક ભાગ, ફેફસાંનો એક ભાગ વિગેરે. જયારે હૃદય, આંખો, બંને કીડની જેવાં જરૂરી અંગો ફક્ત મૃત્યુ કે મગજમૃત્યુ પામેલ વ્યક્તિનાં જ લઇ શકાય છે.


કયાં અંગોનું દાન કરી શકાય ?


કઈ વ્યક્તિ કયાં અંગોનું દાન કરી શકે તે વિગત નીચેના કોઠામાં સરળ રીતે સમજાવી છે:

👉જીવંત વ્યક્તિ 👇👇

> રક્ત

> અસ્થીમજ્જા (બોનમેરો)

> એક કિડની

> યકૃતનો ભાગ

> ફેફસાંનો ભાગ

> સ્વાદુપિંડનો ભાગ


👉કુદરતી રીતે મૃત વ્યક્તિ 👇👇

> આંખો

> હૃદયના વાલ્વ

> ચામડી

> હાડકાં અને સ્નાયુબંધ

> અસ્થિકૂર્ચા

> ધમની અને શીરા (લોહીની નળીઓ)


👉બ્રેઈન ડેડ વ્યક્તિ👇👇


> બંને કિડની, યકૃત (લીવર)

> ફેફસાં, સ્વાદુપિંડ

> નાનું આંતરડું

> સ્વરપેટી, હાથ

> ગર્ભાશય, અંડાશય

> ચહેરો, આંખો

> કાનના ભાગો, ચામડી

> હાડકાં અને સ્નાયુબંધ

> અસ્થિકૂર્ચા

> ધમની અને શીરા (લોહીની નળીઓ)

> હાથ અને પગની આંગળીઓ


અંગદાન કોણ કરી શકે ?


પુખ્તવયની દરેક વ્યકિત અંગદાન કરી શકે છે. જો માતાપિતા સંમતિ આપે તો બાળકો પણ અંગદાન કરી શકે છે.

કેન્સર, એચઆઈવી, કે ચેપી રોગવાળી વ્યક્તિ અંગદાન કરી શકે નહીં.

વ્યક્તિની ઉંમર મુજબ નીચે પ્રમાણે અંગોનાં દાન થઇ શકે:

૧૦૦ વર્ષ સુધીની વ્યક્તિ: ફક્ત આંખો અને ચામડી

૭૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, કીડની, યકૃત

૫૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદય, ફેફસાં

૪૦ વર્ષ સુધીની વ્યક્તિ: ઉપરોક્ત અંગો, હૃદયના વાલ્વ


અંગદાનના વિવિધ પ્રકાર:


જીવંત વ્યક્તિ દ્વારા નજીકનાં સગાંને અંગદાન: જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ પોતાનાં નજીકનાં સગાંને દાન કરે છે. નજીકનાં સગાંમાં માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી, પૌત્ર–પૌત્રી, પતિ-પત્ની નો સમાવેશ થાય છે.

જીવંત વ્યક્તિ દ્વારા સગપણ સિવાયની વ્યક્તિને અંગદાન:જીવંત વ્યક્તિ પોતાનાં અંગ અથવા અંગનો એક ભાગ લાગણીના સંબંધથી જોડાયેલી વ્યક્તિને દાન કરે છે. આમાં સારો મિત્ર, સંબંધી, પાડોશી અને શ્વસુરપક્ષનાં સગાંનો સમાવેશ થાય છે.

મૃત વ્યક્તિ દ્વારા અંગદાન: જો કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી હોય તો તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરી મેળવ્યા પછી તેનાં અંગોનું પ્રત્યારોપણ વેઇટિંગ લીસ્ટમાંથી યોગ્ય વ્યક્તિને કરાય છે.

કોઈ વ્યક્તિએ પોતાનાં અંગદાનની સંમતિ આપેલી ના હોય તો પણ તેના મૃત્યુ કે મગજમૃત્યુ થયે, તેના કુટુંબની મંજુરીથી તેનાં અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે.

જે દર્દીને આવાં અંગદાનની જરૂર હોય તેમણે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.


અંગદાન કરવા માટેની જરૂરિયાતો


જો કોઈ વ્યક્તિ ઘેર મૃત્યુ પામે તો તેનાં અંગોમાંથી ફક્ત આંખો, ચામડી અને અમુક ટીસ્યુ જ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય રહે છે અને તે પણ મૃત્યુ બાદ તરતજ કાઢી લેવામાં આવે તો જ. કારણકે બાકીનાં બધાં અંગો તો તે વ્યક્તિના મૃત્યુ સાથે જ મૃત્યુ પામે છે.


હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવાં અગત્યનાં અંગો ફક્ત હોસ્પીટલના આઈસીયુ (ICU)માં રહેલા મગજમૃત્યુવાળા (બ્રેઈનડેડ) વ્યક્તિનાં જ કામ લાગે છે, કારણકે પ્રત્યારોપણ માટે આવાં અંગો કાઢી લેવામાં આવે ત્યાં સુધી તેમાં લોહીનું પરિભ્રમણ અને ઓક્સિજનનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. એટલા માટે આવા દર્દીને વેન્ટીલેટર પર રાખવા જરૂરી છે, જેથી તેના શરીરનાં બધાં અંગોને ઓક્સિજન સતત મળતો રહે.


અંગદાનનો ખર્ચ:


અંગદાતાના કુટુંબને પ્રત્યારોપણને લગતા કોઈપણ ખર્ચ ભોગવવાના હોતા નથી.

પરંતુ અંગદાન સ્વીકાર કરનાર દર્દીને પ્રત્યારોપણ ઓપરેશનનો ખાસ્સો એવો ખર્ચ થાય છે. ઉપરાંત આવા દર્દીએ ઓપરેશન બાદ જિંદગીપર્યંત દવાઓ લેવી પડે છે, જેના આશરે ખર્ચની વિગત નીચે મુજબ છે:


માનવઅંગોનું વેચાણ:


માનવ શરીરનાં કોઈપણ અંગોનું વેચાણ કે ખરીદી “ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગેન્સ એક્ટ” હેઠળ પ્રતિબંધિત છે. આ કાયદાના ભંગ માટે દંડ અને કેદની સજાનું પ્રાવધાન છે.


અન્ય અગત્યની માહિતી:


એક વ્યક્તિની બે આંખો (વાસ્તવમાં કોર્નિયા એટલેકે કીકી) દાનમાં મળે તો બે આંધળા માણસોને એક એક આંખ આપીને બંનેને દેખતા કરાય છે.

દાનમાં મળેલ એક લીવરમાંથી સાત દર્દીને લીવર પ્રત્યારોપણ કરી શકાય છે.

ચામડીનું પ્રત્યારોપણ દાઝી ગયેલી વ્યક્તિઓ માટે જરૂરી હોય છે.

બીજા દેશોની સરખામણીમાં આપણા દેશમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઓછું છે.

અંગદાનનું સૌથી ઊંચું પ્રમાણ સ્પેનમાં છે -૩.૬ અંગદાન દર એક લાખ વ્યક્તિએ. જેની સામે આપણા દેશનો દર છે ૦.૫ અંગદાન દર એક લાખ વ્યક્તિએ.

આપણા દેશમાં તીવ્ર ડાયાબિટીસ અને ઊંચા બ્લડપ્રેશરના વધતા જતા પ્રમાણથી કીડની નિષ્ફળ જવાના કિસ્સા વધતા જાય છે.


સ્ત્રોત: સુરેશ ત્રિવેદી, દાદાજીની વાતો


Post a Comment

1 Comments